શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ (સોનગઢ આશ્રમ)
શ્રી “મહાવીર” પ્રભુએ ચિંધ્યા માર્ગે “જૈન” બાળકોમાં સદ્દ “ચારિત્ર” ના સંસ્કાર રેડી “કલ્યાણ” માર્ગે આગળ વધતા “રત્નો” તૈયાર કરતું “આશ્રમ”.
સોનાના ગઢ જેવા સોનગઢની એ ધરતી પર સ્થાપિત “ શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ” ના એકવાર પણ જેણે દર્શન કર્યા હશે એ એને જિદંગી ભર ભૂલી શકશે નહીં, - અને એનું કારણ છે- આ આશ્રમની ધરતી અનેક મહાત્માઓ, મહાપુરુષો તથા તપસ્વીઓના પગલાંથી પાવન થઈ છે.
સંસ્થાના સ્થાપક, પ્રખર જ્યોતિષ, પ્રસિદ્ધ વક્તા, સંગીતજ્ઞ, નીડર મહાપુરુષ પૂ. મુનિરાજ શ્રી ચારિત્ર વિજયજી બાપા અને પ્રખર વૈદ્યરાજ, સાહિત્યશોખીન, ક્રાંતિકારી પૂ. મુનિરાજ શ્રી કલ્યાણચંદ્રજી બાપા જેવા મહાન આત્માઓને પોતાની જ્વલંત કારકિર્દી ભરી જિંદગી સમર્પિત કરી આ ધરતીના વિકાસમાં પોતાના આત્મા રેડ્યા છે.
સંગીત, સંસ્કૃત, કાવ્ય તથા લેખન કળાના નિષ્ણાંત અને શિસ્તનાં આગ્રહી પૂ. ગુલાબચંદ્રજી બાપા તથા શાંતસ્વભાવી, સેવાભાવી તથા વિનમ્ર પૂ. મુનિરાજશ્રી ઉત્તમચંદજી બાપાના આત્મા આ ધરતીના કણકણમાં વણાયેલા છે.
કચ્છી સાહિત્યના ભીષ્મપિતામહ કવિશ્રી દુલેરાય કારાણીએ જીદંગીના મહામુલા પચ્ચીસ વર્ષ અહીં રહી એમના અમર સાહિત્યનું સર્જન અને વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન કર્યું છે.
રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીએ અહીં પાવન પગલાં કરી ભારતમાતાની પ્રતિમાનું અનાવરણ કર્યું છે.
ભાવનગર મહારાજા શ્રીકૃષ્ણકુમારસિંહજી ,જામનગરના જામસાહેબ, પાલીતાણાના મહારાજશ્રી બહાદુરસિંહજી, વલ્લભીપુર વગેરે સૌરાષ્ટ્રનાં તેમજ કચ્છના હિંમતસિંહજી આદિ અનેક રાજવીઓ પૂ. બાપાના ભક્તગણના નાતે આ ધરતીને અનેક વાર પવન કરી ગયા છે.
આચાર્ય ભગવંતશ્રી વિજયરામચંદ્રસુરીશ્વરજી મ. સાહેબ, આ.ભ. શ્રી ગુણસાગરસુરીશ્વરજી મ. સાહેબ આદી અનેક આચાર્ય ભગવંતો, તપાગચ્છ, અચલગચ્છ, સ્થાનકવાસી આદી વિવિધ સંપ્રદાયનાં અનેક સાધુ સાધ્વીજીઓ તેમજ સંતો, મહંતોના પુનીત પગલાં અહીં સતત થતા રહે છે.
કવિશ્રી નાનાલાલ, કવિશ્રી ઝવેરચંદ મેઘાણી જેવા કવિઓ, મનુભાઈ પંચોળી, પંડિત સુખલાલજી જેવા અનેક વિદ્વાનો અને સાહિત્યકારો પૂ. બાપા સાથે અનેરી સાહિત્યગોષ્ઠી કરી ગયા છે.
આવી એક તીર્થ ભૂમિ આ સંસ્થા અનેક તડકા છાયામાંથી પસાર થઇ આજે ૯૯ વર્ષ પાર કરી ગઈ છે.