તા.14/15 ઓગસ્ટના રોજ વર્ષ: 1993-1994 થી 1996-1997ની એમ 3 (ત્રણ) બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહપરિવાર રત્નાશ્રમનાં આંગણે પધારી શૈશવનાં સંસ્મરણો તાજા કર્યા. તા.14 ના રોજ બૈંડની સૂરાવલિ સાથે તેમનું સ્વાગત કરવામાં આવેલ, પૂજ્ય બાપાશ્રીને વંદન કરી, ફ્રેશ થઈ, નવકાર્શી પછી પાલીતાણા તીર્થે અચલગચ્છાધિપતિ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ કલાપ્રભસાગર સૂરીશ્વરજી મ.સા. ને વંદન કરી તેમના આશીર્વચનનો લાભ લીધેલ. પૂ. આચાર્યશ્રીએ તેમના ચાતુર્માસ દરમિયાન આપણી સંસ્થાને 100 વિદ્યાદાતા ભેગા કરી આપવાનો તેમનો સંકલ્પ જાહેર કર્યો અને 3 વિદ્યાદાતા લખાવી દરેક બેચના ભૂ.વિ. તેમાં સહભાગી થયા. શ્રી ગિરીરાજજીના તળેટીમાં દર્શન કરી, બપોરે ભોજન બાદ હસ્તગિરી દર્શન, સાંજે રોહીશાળાએ આરતી અને ત્યાર બાદ રત્નાશ્રમમાં પરત ફરેલ.
તા. 15 ના રોજ સવારે સ્નાત્ર પૂજા કરી. 75 માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સૌ ભૂ.વિ. મિત્રો ધ્વજવંદનનાં કાર્યક્રમ માં સહભાગી થયા, પૂ. બાપાશ્રીનાં સમાધિ દર્શન કરેલ, ઓડિટોરિયમ હૉલમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની સુંદર રજૂઆત થઈ, આ દરમિયાન ત્રણે બેચના સૌ ભૂ.વિ. મિત્રોએ મળી "માતૃવંદના યોજના" માં માતબર રકમ જાહેર કરી. સંસ્થા તરફથી દરેક મિત્રોને "શતાબ્દી સ્મૃતિચિન્હ" ભેટ સ્વરૂપે અર્પણ થયું. બપોરનાં ભોજન બાદ આવેલ ભૂ.વિ. મિત્રોએ પોતાની ઓળખાણ - નામ, ગામ, અત્યારે રહેઠાણ, કામ -ધંધો, રત્નાશ્રમ છોડ્યા પછી કેટલાં વર્ષે આવ્યા અને રત્નાશ્રમ જીવનનાં પોતાનાં સંસ્મરણો તાજા કર્યા અને હવેથી વર્ષમાં એક વખત અચૂક રત્નાશ્રમની મુલાકાત લેશે એવો નિર્ધાર કર્યો, સાથે આવેલા પરિવારજનોને પણ ખૂબ આનંદ થયો.